“પરંપરાની પાંખે પાટણ”
અણહિલ ભરવાડ તણી આ ધરતી, ગૌરવ ગાથા ગાય,
વીર વનરાજે વસાવી નગરી, ઇતિહાસે વંદન થાય.
સાત સદીની સવાર થઈ ત્યાં, સુવર્ણ કિરણો રેલાય,
પાટણ પ્રભુત્વે પ્રગટ્યું એવું, ગુજરાતને ગૌરવ થાય.
સોલંકી સુવર્ણ યુગમાં, સંસ્કૃતિ પ્રગટાઈ જ્યાં,
સિદ્ધરાજ જયસિંહની શોભા, રાજ્યે રેલાઈ ત્યાં.
કુમારપાળ કૃપાળુ રાજા, ધર્મધ્વજ લહેરાય,
ન્યાય-નીતિના નાદથી પ્રીતે, જનહૃદય હરખાય.
કલા-કૃતિની કાંતિથી અહિં, હર્ષભેર છે જ્ઞાન,
મંદિર, તળાવ, વાવોમાં તો, ઝળહળતું છે માન.
રાણીની વાવ રચે રાગ રત્નાકર, શિલ્પકલાની શોભા,
પથ્થરમાં તો પ્રાણ પુરાયા, કારીગરોની અમર પ્રતિભા.
જૈન જ્ઞાનના જ્યોતિર્મય, દીપક અહીં પ્રગટ્યા,
શાસ્ત્ર-સાધના સંગે સુંદર, ‘સિદ્ધહેમ’ સજ્યા.
સમય વહીની વેળામાં ભલે, રાજકીય રંગ બદલાય,
પણ પાટણની પાવનતા તો, પેઢી દર પેઢી ઝળકાય.
પટોળાની પાલવ પર પાંખે, પરંપરાની ભાત,
રંગ-રેશમમાં રેલાતી એ, પડી પટોળે ભાત.
ઇતિહાસમાં લખાયેલી આ, ભૂમિ ભવ્ય મહાન,
પાટણ પ્રેરણા, પાટણ પ્રભા — ગુજરાતનું ગૌરવગાન.