વિષય: વિશ્વ માતૃભાષા દિવસ શીર્ષક: મારો શ્વાસ
પ્રકાર: અછાંદસ કાવ્ય
લોહીમાં ભળેલી હોય એને શીખવાની ન હોય,
એ તો ગળથૂથીમાં મળેલો અદ્રશ્ય વારસો છે.
જ્યારે વેદના આંતરડા સુધી પહોંચે,
ત્યારે હોઠો પર જે આપોઆપ આવી ચડે,
એ બીજું કશું નહીં, મારી માતૃભાષા છે.
બીજી ભાષાઓમાં તો હું માત્ર 'વાત' કરું છું,
પણ શ્વાસ તો હું આ ભાષામાં જ લઉં છું.
દુનિયા આખી જીતવા ભલે શબ્દો ઉછીના લઉં,
પણ હારીને જ્યાં આશ્વાસન મળે,
એ ખોળો મારી માતૃભાષાનો છે.
અહીં વ્યાકરણના નિયમો કરતાં,
લાગણીના લહેકાનું વજન વધારે છે.
કોઈ શબ્દકોશ જેનો અર્થ ન સમજાવી શકે,
એવા 'ખમ્મા' અને 'ઓવારણાં' અહીં જ જડે છે.
એ માત્ર લિપિ કે અક્ષરો નથી,
એ તો મારા પૂર્વજોના અવાજનો પડઘો છે,
મારા હોવાપણાનું એકમાત્ર "સ્વયમ્'ભૂ" સરનામું છે.
અશ્વિન રાઠોડ "સ્વયમ્'ભૂ"