આપીને ચોમાસાંને વિદાય, શિયાળો આવ્યો.
આસાર આગમનના થાય, શિયાળો આવ્યો.
છાનીછાની ટાઢે કીધો કેવો પગપેસારો આજે,
ધૂસાધાબળા બધે દેખાય, શિયાળો આવ્યો.
શોધો મફલર ટોપીને, ક્યાં મૂક્યું છે સ્વેટરને,
શાલ ઓઢેલાઓ પરખાય, શિયાળો આવ્યો.
ઋતુ ઋતુનાં શાક નવલાંને અડદિયા નો સ્વાદ,
ઊંધિયું ઘરઘરમાં પીરસાય, શિયાળો આવ્યો.
પ્રભાતે લાગે સૂના રસ્તા શેરી ઠંડી પૂરબહારમાં,
સ્ફૂર્તિ તનબદનમા વર્તાય, શિયાળો આવ્યો.
- ચૈતન્ય જોષી "દીપક " પોરબંદર.