અછંદાસ કાવ્ય ( મોહ – માયા)
શિર્ષક: માયાનો પડછાયો
આ શું પકડ્યું છે?
જે મારા હાથમાં છે જ નહીં.
અને શું છોડ્યું છે?
જે ક્યારેય મારૂ હતું જ નહીં.
આ એક મોહ છે,
માટીના ઘર પરના રંગોનો.
અને એક માયા છે,
આ ક્ષણિક શ્વાસના સગપણની.
હું દોડું છું.
સવારથી સાંજ સુધી,
એક પડછાયો પકડવા,
હું ઊભો રહું તો લંબાય છે,
અને દોડું તો દૂર ભાગે છે.
બાળકની જેમ માનું છું કે,
સોનું એટલે ચકચકતું પીળું પીત્તળ.
વૃદ્ધ થાઉં તોય ભૂલું છું કે,
આ વસ્તી તો માત્ર બે દિવસનો મેળો છે.
જ્યારે આંખ બંધ થાય છે,
ત્યારે ખબર પડે છે.
સામાન તો અહીં જ પડ્યો રહ્યો,
અને હું એકલો નીકળી ગયો.
પાછળ ફરીને જોઉં તો,
ન તો કોઈ બોલાવે, ન કોઈ રોકે,
બસ માયાનું એક હળવું હાસ્ય.
મારી સામે "સ્વયમ'ભુ" નિહાળે.
અશ્વિન રાઠોડ "સ્વયમ'ભુ"