દોડે છે બધાં તું પણ જરા દોડી જોને.
સાચવ્યું ઘણુંયે હવે જરા છોડી જોને.
ભલેને જીવ્યો મનફાવે તેમ આજતક,
જિંદગી અવસર છે જરા મોડી જોને.
હતો સાચવવા જેવો સમય ગુમાવ્યો,
મરામત મનની કરી જરા થોડી જોને.
નાશવંત છે શરીર જેની ટાપટીપ કરી,
નહીં રહે એકદા ફૂટી જરા કોડી જોને.
સાફલ્ય જિંદગીનું સાંપડશે એ સત્ય,
પરમાત્માથી નાતો તું જરા જોડી જોને.
- ચૈતન્ય જોષી " દીપક" પોરબંદર.