વિસ્તારવાદી ચીન 🇨🇳
વિસ્તારવાદી દેશ તરીકે નામચીન ગણાતા ચીને ફક્ત
ભારતના પ્રાદેશિક વિસ્તારો પર નજર બગાડી છે એવું નથી.
બિજિંગના સરકારી દફતરોમાં પડેલા સૈકાઓ પહેલાના રફ
સ્કેચ જેવા પુરાતન નકશાઓ ધૂળ ખંખેરીને કાઢ્યા બાદ તેમના
આધારે ચીને બીજા અનેક પડોશી દેશો સાથે પણ સરહદી
ઝઘડા કર્યા છે--અને ન કરાયેલા ઝઘડા આવતી કાલ માટે
તેણે પોતાના અજેન્ડા પર રાખ્યા છે. ૧૯ મી સદીના નકશાનો આધાર પકડી ૧૯૬૯ માં ચીની સરકારે રશિયાની આમુર નદીની પૂર્વના વિસ્તારને પોતાની માલિકીનો જાહેર કર્યો એટલું જ નહિ, પણ એ મોરચે તેણે સોવિયેત રશિયા પર ફૌજી આક્રમણ કર્યું. લગભગ ૯ વર્ષ સુધી બન્ને દેશો વચ્ચે સરહદ પર સશસ્ત્ર
અથડામણો થતી રહી, જેમાં ચીને હજારો સૈનિકો ગુમાવ્યા. રશિયાએ મચક ન આપી, એટલે ૧૯૭૮ માં મામલો શાંત
પડ્યો. આમ છતાં તે ભૂમિ પર ચીને પોતાનો દાવો કદી પાછો ખેંચ્યો નહિ.
વિયેતનામ યુદ્ધમાં અમેરિકા સામે
લડી રહેલા સામ્યવાદી ગેરિલા
લશ્કરને ચીન છૂટે હાથે શસ્ત્રસહાય
આપતું હતું. ઉત્તર વિરૂદ્ધ દક્ષિણ
વિયેતનામનું એ લોહિયાળ યુદ્ધ
૧૯૭૫ ના અરસામાં પૂરૂં થયું
અને વિયેતનામના બેય ઘટકોનું
એકીકરણ થયું એ પછી ૧૯૭૯
માં તે દેશના સરહદી વિસ્તારનો
ભૌગોલિક ટુકડો કાપી લેવા ચીને
તેના પર હુમલો કર્યો. બહાનું એવું
કાઢ્યું કે ૨૦૦ વર્ષ પહેલાંના
નકશા મજુબ એ વિસ્તાર ચીનની
માલિકીનો હતો. મહાસત્તા
અમેરિકાને પંદરેક વર્ષ લાંબા
યુદ્ધમાં આખરે પરાસ્ત કરી ચૂકેલા વિયેતનામી સૈનિકો જો કે
ચીન સામે નમતું જોખે તેવા ન હતા. આક્રમણને તેમણે મારી
હટાવ્યું એટલું જ નહિ, પણ ચીનના આશરે ૨૦,૦૦૦ સૈનિકોને મારી નાખ્યા. વિયેતનામ સામે ચીને બીજું લશ્કરી દુ:સાહસ ૧૯૮૬ માં કર્યું. બે વર્ષ પછી તેનેય પીછેહઠ કરી સંકેલી લેવું પડ્યું, છતાં વિયેતનામના સરહદી વિસ્તાર પર ચીનનો દાવો હજી પણ જેમનો તેમ છે.
https://www.facebook.com/share/p/1FyR8o7Qma/