પ્રેમ,
પ્રેમ શબ્દ આવતા જ આપણી સામે એક જ ચિત્ર કે સમજ ઊભી થાય છે, સ્ત્રી અને પુરુષ. જે કોઈ એક વ્યક્તિ સાથે આપણે પસાર કરેલ સુંદર ક્ષણો હોય શકે પણ પ્રેમ તો એક પ્રવાહ છે તેને વ્યક્તિ સાથે કંઈ લેવાદેવા નથી.મનુષ્યમા રહેલ પરમ સંવેદના સાથે રહેલ સંબંધને પ્રેમ કહી શકાય.
આપણો પ્રેમ એટલે એકાબીજાને કામમાં આવવું તે પછી શારીરિક, માનસિક, આર્થિક કે લાગણીવશ પણ હોઈ શકે.બસ વાતો ખાલી નિસ્વાર્થની કરીએ છીએ પણ સંબંધ તો સ્વાર્થ માટે જ નિભાવીએ છીએ.
આપણે એ જ પ્રેમને જાણીએ છીએ જેમાં આદાન પ્રદાન થાય છે.કંઈક ઉપયોગમાં લેવાય છે. ઉપયોગમાં આવે છે.
પુરુષ એવા પ્રેમ ની તલાશમાં રહેતો હોય જેમાં સ્ત્રી રસોડાથી લઈ વધારે શયનખંડનાં સુગંધીત રોમાંચિત પળો સુધીની શારીરિક અને ભાવનાત્મક જરૂરિયાત પૂરી પાડે તે પણ કંઈ અપેક્ષા કે સ્વાર્થ વિના સાચો પ્રેમ કરનારી સુંદર સુશીલ શરમાળ સ્ત્રી.
જ્યારે સ્ત્રી એવા પાત્ર ની તલાશમાં હોય છે જેમાં પુરુષ વધારે આર્થિક, માનસિક થોડીઘણી શારીરિક દેખભાળ સ્નેહની પળો આપે.પ્રેમભરી વાતો કરે ભેટસોગાદો સાથે સલામતી અને સંરક્ષણ ના ભાવથી એને ભીંજવી દે એ પણ કોઈ જ સ્વાર્થ વિના નો સંપુર્ણ પુરુષ.
આપણે પ્રેમ સ્વાર્થ અને અપેક્ષા વિના નો ચાહીએ છીએ પણ ખરેખર એમાં આપણી માંગણીઓ સ્વાર્થ અને અપેક્ષા વગર ની કેટલી?....
પ્રેમ નું બીજું રૂપ અસ્તિત્વ છે.તમે જે છો એના એ જ સ્વીકાર થાય એ જ પ્રેમ.
પ્રેમ આપ લે કે વ્યવહારીક નથી. પ્રેમ એકતરફી કે બે તરફી નથી પ્રેમ કોઈ બે બાજુ નથી એક જ છે.
પ્રેમ ને ઉંમર, જ્ઞાતિ, મમત્વ સાથે કંઈ જ લેવા દેવા નથી. પ્રેમ તો માત્ર હાજરી જ માંગે છે.તમારી હાજરી સિવાય તેને કંઈ જ ના જોઈએ.
પ્રેમ માત્ર પ્રેમ થવામાં જ માને છે.