મનઉદ્યાનમાં પુષ્પ ખીલે, માનો કે વસંત આવી.
કોઈક રાગ બહાર છેડે, માનો કે વસંત આવી.
પ્રફુલ્લતા મન તણી હરિયાળી બનીને પ્રસરતી,
ફોરમ ફૂલની સઘળે પ્રસરે, માનો કે વસંત આવી.
ટહુકાર સંભળાય કોકિલ, વન ઉપવન ગજવતા,
મનમયૂર નર્તન કરવા લાગે, માનો કે વસંત આવી.
પૂરબહારે વહેતી હોય લાગણી અરસપરસમાં,
ઉરે ઊર્મિઓ પળેપળ જાગે, માનો કે વસંત આવી.
સંભળાય સૂર મા શારદાની વંદનાના ઠેરઠેરને,
પ્રેયસી ઉર પ્રીતમને જ માગે, માનો કે વસંત આવી.
પતંગા રંગવૈવિધ્યે ફરે અહીંતહીં પરાગ પામવાને,
ક્યાંક વેદના વિયોગની વરસે, માનો કે વસંત આવી.
સુખ અવનીનું સર્વોચ્ચ , મિલન સ્વર્ગાધિક ભાસે,
કૃપા અનંગની અવિરત મળે, માનો કે વસંત આવી.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.