કોઈની વૈખરીવાણી સાંભળીને હસી લઈએ.
ના બનીએ ગંભીર કે ના એને મન પર લઈએ.
જેવા જેના વિચારો એવું એ તો બોલવાના,
કોલસાની ખાણમાં હીરો ના મેળવી લઈએ.
વાણી એ તો અંતરના ઊંડાણનું માપ હોવાનું,
કૂવામાં શું હશે એનું હવાડાથી જાણી લઈએ.
ભાષા આખરે બાવનની બહાર ન હોઈ શકતી,
કોઈની આડીઅવળી ગોઠવણી સહી લઈએ.
છોને કોઈ ધરે કંટક આપણને દ્વેષભાવ રાખીને,
માણસ છીએ, પુષ્પગુચ્છથી સન્માની લઈએ.
પરાવાણી એ તો જન્મજાત મૂડી છે આપણી,
શીદને તડફડની ભાષા વખતે ઉચ્ચારી લઈએ?
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.