૨૨
ગઝલ ( નથી એ ભાન કે આશા )
નથી એ ભાન કે આશા કોઈ હતી કે નહીં,
કહી શકાય આ હાલતને બંદગી કે નહીં?
ભલેને તારી કથામાં અસીમ દર્દ હતું,
સવાલ એ જ છે મહેફિલ રડી પડી કે નહીં?
સહાયતા તો ગરીબોની કંઈ જ થઈ ન શકી,
તું જોકે લાગણી મારી દુઃખી ગઈ કે નહીં.
ઘણો સમય થયો જોયું નથી હૃદયની તરફ,
નથી ખબર કે હતી આગ તે બુઝી કે નહીં!
કહ્યા જે કરતો હો હંમેશાં રાહની તકલીફ,
ન એને પૂછજો મંઝિલ તને મળી કે નહીં.
ફરીથી દોસ્તી કરવી નથી મગર પૂછું,
તમારી સાથે હતી મારી દોસ્તી કે નહીં.
‘મરીઝ' મૌન છે, કાયમ છતાં ગઝલ દ્વારા,
અમે કરી લીધી સૌ દિલની માગણી કે નહીં.
‘મરીઝ’ રંગ છે આશાજનક નિરાશાનો,
ખબર નથી હવે આશા કોઈ હતી કે નહીં.
- મરીઝ