૨૧
ગઝલ ( જિંદગીને જીવવાની ફિલસૂફી )
જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી.
આટલાં વર્ષોની મહેનતનું પરિણામ આટલું!
તારા દિલની આછી આછી લાગણી સમજી લીધી.
દુઃખ તો એનું છે કે એ દુનિયાનાં થઈને રહી ગયાં,
જેના ખાતર મારી દુનિયા મેં જુદી સમજી લીધી.
દાદનો આભાર, કિંતુ એક શિકાયત છે મને,
મારા દિલની વાતને તેં શાયરી સમજી લીધી.
કંઈક વેળા કંઈક મુદ્દતને કશી માની નથી,
કોઈ વેળા એક પળને જિંદગી સમજી લીધી.
કોણ જાણે કઈ દિશામાં જઈ રહી છે જિંદગી,
રાહની સૌ ચીજને મેં પારકી સમજી લીધી.
એ હવે રહી રહીને માગે છે પરિવર્તન ‘મરીઝ’,
મારી બરબાદીને મેં જેની ખુશી સમજી લીધી.
- મરીઝ