૧૮
ગઝલ ( માલી ઔર છે )
તેં જે તોડી એ તો માલી ઔર છે,
હું જ્યાં બેસું છું તે ડાલી ઔર છે.
તું દિલાસો જેનો દે છે તે નથી,
દોસ્ત મારી પાયમાલી ઔર છે.
ઝંખના મૃત્યુની છે સાચી મગર,
દિલમાં એક વસ્તુ વહાલી ઔર છે.
આ વખત એણે નથી દીધું વચન,
આ વખતની હાથતાલી ઔર છે.
જે બધું માંગી લે યા કંઈ પણ નહીં,
તારા દરના એ સવાલી ઔર છે.
ઓ વિલાસી, દર્દનો દાવો ન કર,
જામ ખાલી હાથ ખાલી ઔર છે.
ખાલી આવે છે સુરાલયથી ‘મરીઝ’,
એની આંખોમાં આ લાલી ઔર છે.
- મરીઝ