૧૭
ગઝલ ( રીંદ હશે યા કે )
રીંદ હશે યા કે પાકબાઝ હશે,
જે નિખાલસ છે બેનિયાઝ હશે.
સ્પષ્ટ વાતો તમે કરો છો હવે,
નક્કી એમાંય કોઈ રાઝ હશે.
શું જુલમ છે તમારી સાદાઈ,
શું કયામત તમારા નાઝ હશે?
એની સૌ વાત ધ્યાનથી સાંભળ,
એમાં એકાદ વાત રાઝ હશે.
રાખો મસ્જિદને સાફ કે એક દિન,
મુજ જનાઝાની ત્યાં નમાઝ હશે.
હું તો તરણું છું હું તો તરવાનો,
નુહ પાસે ભલે જહાઝ હશે.
અંતે મરવું પડ્યું કમોતે ‘મરીઝ’,
મારી ઉમ્મર ઘણી દરાઝ હશે.
- મરીઝ