શબ્દે શબ્દે શ્રીહરિને, નયને નદીયુ વસી ગઈ,
કૃપા રામની જ્યારે થઈ.
પરાવાણી પ્રગટી મુખેને, વિદાય વૈખરીની કેવી થઈ,
કૃપા રામની જ્યારે થઈ.
જનેજનમાં જનાર્દન વસતા,સંગત સઘળી બદલી ગઈ,
હેત હરિનાં હૈયેથી છલક્યાં, વાણી સઘળી પ્રાર્થના થઈ.
હરિવર હરખ્યા ભક્ત નિહાળી,
એની આંખડી વરસી રહી......1
નાનામોટાના ભેદ ભૂલાયા, દુર્બુદ્ધિને દિવાલ થઈ.
સન્મતિ સાંપડી સહેજેને, મનમંદિરિયે આરતી થઈ
માયાબંધન છૂટ્યાં કેટલાં,
ભક્તિદોરી મજબૂત થઈ.......2
ગદગદવાણી કરે વિનંતી, પુલકિતગાત્રે ઉચ્ચારતાં,
શાનભાન સ્હેજે ભૂલાયાં, ધ્યાન રઘુવીરનું ધરતાં.
રીઝ્યા રઘુકુલનંદન રામને,
ધનુષબાણને એ કરમાં ગ્રહી......3 .
ચૈતન્ય જોષી.