નીર દરિયાનાં વર્ષા બનીને આવે મારે આંગણે.
મીઠી સુગંધ માટીતણી એ ફેલાવે મારે આંગણે.
ઝરમરધારે તપ્ત ધરાને ઠારવા મેહુલિયો વરસે,
જાણે કે રૂઠી ધરાને હવે એ મનાવે મારે આંગણે.
દેવ પર્જન્ય રીઝયાને શેરગલીએ વારિ વહેતાં,
કાગળની હોડી બાલવૃંદ સૌ તરાવે મારે આંગણે.
ગઈ વીજળી રિસાઈ જ્યાં વાદળ થોડાં વરસ્યાં,
એ તો આભેથી ધૂમધડાકે ચમકાવે મારે આંગણે.
સૂર ગયો છૂપાઈ જે તાંતાં તીર સમાં વરસાવતો,
નીરખી જળમધુરાં માનવને હરખાવે મારે આંગણે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.