નવા કે ભાડાના ઘરમાં રહેવા જતા પહેલા સારા દિવસે અને ચોગડિયે કુંભ મુકાય છે અને વધુ કરી કુંવારિકાના હાથે મુકાવાય છે.
કુંભ મૂકતા અનાજની ઢગલી કરી ઉપર પાણી ભરેલો કુંભ અને કેટલીક સામગ્રી તેમાં મુકાય છે અને દીવો પ્રગટાવાય છે.
કુંભ એ બ્રહ્માંડની પ્રતિકૃતિ સાથે ઘર અને મનુષ્ય દેહની પ્રતિકૃતિ છે. અહી ઘરની પ્રતિકૃતિ તરીકે ઉપયોગ થાય છે.
પાણીમાં પ્રાણ તત્વ હોય છે. અંદર મુકાતી વસ્તુઓ પણ આધ્યાત્મિક અને ભૌતિક લાભ કરતા હોય છે. કુંભ નીચે અનાજ મૂકવાથી, કુંભમાંથી ઝરતા પાણીથી નીચે મૂકેલું અનાજના ફણગા ફૂટે છે. અનાજના દાણામાંથી ફણગા ફૂટવા એ ઈશ્વરીય સર્જન શક્તિથી બને છે. જે વૃદ્ધિ શક્તિ છે. આ મહત્વની ઈશ્વરીય સર્જન શક્તિનું ( વૃદ્ધિ શક્તિ ) નવા મકાનમાં અવતરણ થાય, જેથી ઘરની સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય તે અર્થે કુંભ મુકાય છે. કુંવારી કન્યા જગદંબાનું એટલે શક્તિનું સ્વરૂપ છે અને દીવો એ બધા દેવ દેવીની હાજરી ઉપસ્થિત કરાવે છે જેની કૃપાથી ઘર અને ઘરમાં રહેનાર વ્યક્તિ સુખી થાય.
આ એક જ વિધિથી, પાણીની પ્રાણ શક્તિ, દીવાની જ્યોતથી દેવ દેવીની હાજરી, કુંવારિકાથી જગદંબા, અંકુર ફૂટવાથી ઈશ્વરની સર્જન શકતી વગેરેનું એક પ્રકારે આહ્વાન અને ઉપસ્થિતિ કરાય છે.