શબ્દો લાગ્યા સૂકાવા મારો ગેરઉપયોગ શાને?
મનમાં લાગ્યા મૂંઝાવા મારો ગેરઉપયોગ શાને?
માનવ જેવો માનવ થઈને વગર વિચાર્યું બોલે,
શાને કરતો કાવાદાવા મારો ગેરઉપયોગ શાને?
ઘસાતું બોલીને પાડે ઘસરકો ચોટ કેવી લાગે,
વિન્યાસે શું હોય આવા? મારો ગેરઉપયોગ શાને?
હાથ મિલાવીને હત્યા કરનારો પશુથીય પામર,
કરતો વાણીના દેખાવા મારો ગેરઉપયોગ શાને?
વૈખરી વદીને કલહ, કંકાસને વેરને બાંધનારો,
શું મથે આખરે બતાવા મારો ગેરઉપયોગ શાને?
બધા અક્ષરો સારા છે મૂળાક્ષરમાં પરખવા ઘટે,
પરાવાણી દ્યોને વહેવા મારો ગેરઉપયોગ શાને ?
-ચૈતન્ય જોષી 'દીપક ' પોરબંદર.