આંખ થી સરકેલ શમણાં ને
પાંપણ નો સહારો જો મળશે
અને સૂરજ ઢળશે તો ગમશે
સ્મૃતિઓ ની સોનેરી સાંકળ પર
'ફુરસત'નો સિંદૂરી વરખ જો ચઢશે
અને સૂરજ ઢળશે તો ગમશે
ગમા -અણગમાં નાં વલોપાત વચ્ચે
ક્રોધ -ઉચાટ નાં સનેપાત વચ્ચે
ઘડી -બે ઘડી માથું ટેકવવા
એ ખભાની ઓથ જો મળશે
અને સૂરજ ઢળશે તો ગમશે
અમે ક્યાં સંપૂર્ણ અધિપત્ય માંગ્યું છે?
આંખ માં આંખ પરોવી કહી શકાય
બસ એવું અખંડ સત્ય માંગ્યું છે...
દિનભરની વ્યર્થ રઝળપાટ પછી
આ રાહબરને મનગમતી રાહ જ્યાં મળશે
અને સૂરજ ઢળશે તો ગમશે
---લીચી