વિશ્વ ચકલી દિવસની શુભકામનાઓ 🙏
“તારો વૈભવ રંગમહેલ, નોકર ચાકરનું ધાડું, મારા ફળિયે ચકલી બેસે એ મારું રજવાડું.”
ચકલીઓ પ્રત્યે પ્રેમ પ્રદર્શિત કરતી આ લાઇન પ્રખ્યાત કવિ રમેશ પારેખની છે.
આજે ૨૦મી માર્ચ સમગ્ર દુનિયામાં “Sparrow Day” તરીકે ઉજવવામાં આવે છે. આપણને એમ થાય કે ભલા ચકલાના તે કાંય દિવસ ઉજવવાના હોય ? ચકલીમાં તે વળી નવું શું છે ? નાનપણમાં કદાચ સૌથી પહેલાં જોયેલું, ઓળખેલું એકદમ જાણીતું પંખી એટલે ચકલી. હજુ બરબર બોલવાનું પણ ન શીખેલા બાળકને પૂછીએ કે ‘ચકી કેમ બોલે?’ તો તરત કહેશે- ‘ચીં…ચીં..’ ચકલાં, ચકલી, ચકીબેન કે ‘હાઉસ સ્પેરો’ એ ફક્ત આપણાં દેશનું જ નહીં પણ વિશ્વભરમાં સૌથી વધુ જોવા મળતું અને માનવ વસ્તી સાથે હળી-ભળી ગયેલું સૌથી સામાન્ય પક્ષી છે. એક સમયે વિશ્વનું સૌથી સામાન્ય અને ટોળાબંધ જોવા મળતું આ નાનકડું પંખી આજે જીવન સંઘર્ષ માટે ઝઝુમી રહ્યું છે અને કમનસીબે હારી રહ્યું છે ! વિશ્વભરમાં અને ખાસ કરીને ભારતમાં પણ ચકલીઓની સંખ્યા ખૂબ ઝડપથી ઘટી રહી છે. જો તેમને બચાવવા માટે માનવ જાત કંઈ નહીં કરે તો આ ચકલીઓ ખૂબ ઝડપથી હમેશાને માટે લુપ્ત થઈ જશે !
ચકલીઓને બચાવવા આટલું કરીએ
[1] ‘નેસ્ટ હાઉસ’ બનાવીએ અને ઘરે લગાવીએ અને ચકલાંને ફરીથી ઘર નજીક વસાવીએ.
[2] ચકલાં માટે ઘરની અગાસી, બાલ્કની કે ફળીયામાં પાણીનું કૂંડું અને થોડો ખોરાક જેમકે બાજરી, ચોખાની કણકી, રોટલીના ટૂકડા, ભાત વગેરે અચૂક મુકીએ.
[3] દેશી અને ફળાઉ વૃક્ષો વાવીએ.
[4] ખેતર-બગીચામાં કુદરતી વાડ કરીએ. દેખાવમાં સુંદર પરંતુ વાસ્તવમાં બિનઉપયોગી છોડની બદલે પક્ષીઓને ઉપયોગી હોય તેવા ફૂલ-છોડ રોપીએ.
[5] બાળકોમાં નાનપણથી કુદરત પ્રત્યે લગાવ રોપીએ.