આ ઈચ્છાઓનો દરિયો રોજેરોજ ઘૂઘવાટ કરે.
ઈપ્સિત પામવાને ન જાણે કેટલો એ રઘવાટ કરે.
ઊછળતાં જાય ઉત્તંગ એના અંબરને આંબતાં,
અધૂરપની સ્થિતિમાં ન જાણે કેટકેટલો બફાટ કરે.
પૂર્ણ થાય એકાદ આશા ત્યાં બીજી જાગી જાતી,
કાણું પાત્ર ભરવાને એ કેટકેટલા જાણે કે ઘાટ કરે.
લોભને થોભ હોતો નથી ક્યારેય જીવનમાં આખરે,
નાની શી સફળતા મળતાં જાતને એ મોંઘીદાટ કરે.
સમાવી લેવી છે દુનિયાને મુઠ્ઠીમાં પેંતરા કરીને કેટલા,
ઊતરતા ગણી બીજાને આત્મપ્રસંશા જાણે ભાટ કરે.
- ચૈતન્ય જોષી. ' દીપક' પોરબંદર.