હતા તમે સામે કિનારે, તોયે ન મળી શકાયું,
ઘણાં સાદ કર્યા તમને, તોયે ન સાંભળી શકાયું.
પલક ઝપકયા વિના તાકતો રહ્યો દૂરથી તમને,
એ મદભરી આંખનું દ્રશ્ય કદી ન ભૂલી શકાયું.
નયન થી નયન મળ્યા ને દિલ આપી બેઠા તુજને,
પછી તો ક્યાં કદીએ મન ભરીને મળી શકાયું.
બેસું છું રોજ નદી કિનારે તમારા દીદારની રાહમાં,
તારી ઉર્મિઓની ચાહમાં ક્યાં એકલું પડી શકાયું?
તમારી વેણીના પુષ્પો ખર્યા તે અમે વીણી લીધા,
એમ કરીને પણ સુગંધે સુગંધે તમને મળી શકાયું.
મન ભરીને તમારા મિલનની અધૂરી ઈચ્છાઓ હવે,
ભરપૂર સૌંદર્યને કયાં હજી પૂરેપૂરું માણી શકાયું?
-રમેશ શર્મા
12/11/2023