આમ કૈં શરીરનો સાથ છોડીને ચાલ્યા જવાય તારાથી?
આમ કૈં એકાએક કામ બંધ કરી શું અટકાય તારાથી?
ચોવીસે કલાક વણથંભી રહી સફર તારી અવિરત સદા,
આમ કૈં દિલધબકારા અચાનક શું કદી ચૂકાય તારાથી?
કહેવાય છે કે તારામાં વાસ ઈશ્વરનો હોય છે હરપળ ઘડી,
આમ કૈં મૌનગ્રહી વર્ષોનો સાથ શું કદી છોડાય તારાથી?
ના વિચારી તેં વય છે કેટલી જેમાં રહ્યો છે વસવાટ તારો,
જીવતાજીવને એના કુટુંબથી વિખૂટા કદી પડાય તારાથી?
એક પછી એક ટપકિયાં મોત તારા થંભી જવાથી થયાં છે,
જીવ સાથે લાગણીનો નાતો કદી એકદમ મેલાય તારાથી?
માનું છું કે ચોવીસે કલાક કામનો કદાચ તને થાક હોઈ શકે,
તોય સાવ લાગણીશૂન્ય બની જઈને અટકાય તારાથી?
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર