હમણાં રમાયેલી વિલ્બડન ચેમ્પિયનશિપમાં સ્ટાર ખેલાડી નોવાક જોકોવિચને હરાવીને કાર્લોસ અલ્કારાઝ ચેમ્પિયન બન્યો હતો. ઊપરની વાત પરથી આપણને જાણવા મળે છે કે દરેક સમયે-સમયે માણસની શક્તિ અને ભૂમિકા બદલાઈ જાય છે.એક સમય એવો હતો જ્યારે રોજર ફેડરર ટેનિસની દુનિયામાં રાજ કરતો હતો.તેની રમવાની સ્ફૂર્તિ અને શકિત અલગ પ્રકારની જ ઊર્જા પેદા કરતી હતી.એ સમયે એવું લાગવા લાગ્યું હતું કે રોજર ફેડરર જેવો મહાન પ્લેયર બીજો મળવો અશકય છે,જે આવી શક્તિ સાથે રમી શકે ! સમય જતાં નાડાલ જેવા પ્લેયર ટેનિસની દુનિયામાં આવ્યા અને સાથે રોજર ફેડરરની ઉંમર અને રમવાની સ્ફૂર્તિ પણ ધીરે ધીરે ઘટવા લાગી.એક વખતે હું ટીવી પર મેચ જોતો હતો એ સમયે મે રોજર ફેડરરને ચાલુ રમતે રડતા જોયો હતો કેમકે તેની શકિત,તેનું શરીર અને તેની ઉંમર એને એ સમયે સાથ નહોતી આપી રહી.બીજીબાજુ નાડાલ અને નોવાક જેવા સ્ટ્રોંગ પ્લેયર પણ ઊભરીને સામે આવ્યા હતા.યુવાન નોવાક જોકોવિચને ઘણી મેચોમાં રોજરને હરાવતા મે જોયા છે.આજે જ્યારે એ જ વસ્તુ નોવાક સાથે બની રહી છે ત્યારે જોઈને નવાઇ નથી લાગતી.
ઉંમર સાથે શક્તિ અને ઊર્જાનો સંચાર દરેક માણસમાં ઓછો થવા લાગે છે.એક સમયે માણસ પોતાની પરાકાષ્ટા સુધી પહોંચી જાય છે પણ આ બહુ સમય સુધી ટકી રહે એ જરૂરી નથી.જેમ ન્યૂટનનો નિયમ કહે છે એમ જે વસ્તુ ઊપર જાય છે એ હંમેશા નીચે આવે છે,એમ જીવનમાં પણ જે માણસ ટોચ પર જાય છે એ એક દિવસ નીચે આવે જ છે.તેની પદવી લેવા અને નવી ઊર્જા ભરવા બીજો કોઈ માણસ ત્યાં સુધી પહોંચી જાય છે અને ફરી એ પણ નીચે આવે છે એમ સતત આ પ્રકિયા ચાલ્યા કરતી હોય છે.
ઉપરની બાબત પરથી જાણવા મળે છે કે જે સમયે, જે વખતે જ્યાં જેટલી શક્તિ સાથે કામ કરવાની તક મળે ત્યાં કરી લેવું જોઈએ.સમય સાથે શકિત અને ઉંમર ઘટતા નિરાશ થવાને બદલે તેને સહેલાઈથી સમજી લઈને આગળ વધવા માટે તૈયાર થઈ જવું જોઈએ.અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પનો કાર્યકાળ જ્યારે પૂરો થયો ત્યારે તે સહેલાઇથી પોતાની પદવી છોડી શક્યા નહોતા.કોઈપણ માણસ જલ્દી ખુદને મળેલી નામના હોય કે પ્રિર્સિદ્ધી છોડી શકતો નથી.વર્ષો પહેલા વહાણ લઈને જતા નાવિકો દરિયા વચ્ચે વહાણને હલકું કરવા માટે થઈને પોતાના ઘોડાઓને પાણીમાં ઉતારી દેતાં હતાં.માણસે પણ સમય સાથે પોતાના ઘોડાઓને પાણીમાં ઉતારી દેવા જોઈએ અને સમય સાથે ચાલતા શીખી જવું જોઈએ;
રણની અંદર રહેલી માટીને પવન પોતાની ઘસારણ શક્તિ અનુસાર ઉપાડીને બીજી જગ્યાએ લઈને જઈને ઠાલવી દે છે.સમય જતાં ત્યાં માટીનો ઢગલો થઈ જાય છે સાથે બીજીબાજુ ઉપાડીને આવેલી માટીની જગ્યા પર ખાડો પડી જાય છે.સમય જતાં ત્યાં પણ પવનના ઘસારણ થકી માટી પુરાઈ જાય છે.કુદરતની શકિત કેવી અપાળ છે એક બાજુ તોડે તો એક બાજુ જોડે છે. આપણા જીવનની પણ આ જ ગાથા છે ક્યાંક ખાડો કરી દે છે તો સમય જતા ત્યાં પુરાણ કરીને જોડી દે છે.કોઈ વ્યક્તિ,વસ્તુ,વાયુ, જળ,અગ્નિ વગર આ દુનિયા ઊભી નથી રહેવાની ! સમય જતાં દરેકની ખોટ પુરાઈ જવાની છે.પાંચ કરોડ વર્ષ પહેલાં જન્મેલા સૂર્ય અને તેમાંથી નિર્માણ પામેલા ગ્રહો પણ સમય જતાં નષ્ટ થવાના જ !