હાલને સખી ઝાડવાંને રાખડી બાંધી જોઈએ.
હાલને સખી ઝાડવાંની હવે રક્ષા કરી જોઈએ.
છે એક મૂક તેથી શું થયું? એનેય સંવેદના છે,
હાલને સખી કઠિયારાથી એને બક્ષી જોઈએ.
ખૂબ દીધું માનવજાતને એણે નિજજાત નીચોવી,
હાલને સખી ડાળેડાળે પક્ષી વસાવી જોઈએ.
એ છે તો વરસાદ છે ને છે અસ્તિત્વ માનવજાતનું,
હાલને સખી કોઈને રક્ષીએને કોઈ વાવી જોઈએ.
આવે છે રક્ષાબંધનને બહેની બની અભય કરીએ,
હાલને સખી નવી દિશામાં એક કદમ ભરી જોઈએ.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.