આમ ઓચિંતા રિસાઈ જવાનું તમને કેમ ફાવે?
સંબંધોમાં પૂર્ણવિરામ મૂકવાનું તમને કેમ ફાવે ?
તમારો સ્નેહ પણ જોયો હવે નફરત જોવાનીને,
અડધે રસ્તેથી પાછા વળવાનું તમને કેમ ફાવે ?
લાગે છે કે જીવન તમારે મન કોઈ રમત હશેને?
પોતાનાંથી જ મુખને ફેરવવાનું તમને કેમ ફાવે ?
જે હસ્તે પુષ્પો ધર્યાં પ્રણયનાં સ્નેહને છલકાવીને,
એ જ હાથથી પથ્થર ફેંકવાનું તમને કેમ ફાવે ?
ના વાતચીત, ના ગુસ્સો કે ના કશો મતભેદ ઊભયથી,
ઋતુ છે ભરવસંતનીને ખરવાનું તમને કેમ ફાવે ?
હજુય મોડું નથી થયું છે સમય તમારા હાથમાંને,
અવગણીને સામાપૂરે તરવાનું તમને કેમ ફાવે ?
આવો ભૂલ્યા ત્યાંથી ગણીએ સોનેરી સવાર છે,
ગાંઠવાળીને ગેરસમજે રહેવાનું તમને કેમ ફાવે ?
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.