નિયમિત પૂનમ ભરે છે પણ માબાપ રઝળે છે.
તીર્થયાત્રા બધી કરે છે પણ માબાપ રઝળે છે.
આપે છે દાન અઢળકને તખ્તી એની લાગે છે,
ઈશને છપ્પનભોગ ધરે છે પણ માબાપ રઝળે છે.
દાનપુણ્યની સરવાણી વહાવે છે દાતા બનીને,
' વાહવાહ ' બધે કરાવે છે પણ માબાપ રઝળે છે.
અજાણ્યાને દવાખાનામાં જઈ સેવામદદ કરે છે,
સાધુસંતો વારંવાર જમાડે છે પણ માબાપ રઝળે છે.
ઘરના ઘંટી ચાટે છેને પાડોશીને આટો પૂરો પાડે છે,
ઈશ્વરથી ક્યાં કદીએ ડરે છે પણ માબાપ રઝળે છે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.