🌳🌳 *હરિયાળી અમાસ* 🌳🌳
અષાઢ મહિનો એટલે પ્રકૃતિની સુંદરતાનો મહિનો. આ મહિનામાં ચારે તરફ હરિયાળીનું સામ્રાજ્ય છે. તેથી જ અષાઢી અમાસને *હરિયાળી અમાસ કહેવાય છે.* આ વખતે હરિયાળી અમાસ ૧૭ જુલાઈ, સોમવારે છે. તેથી આ અમાસ સોમવતી અમાસ બનશે.
સારસ્વત કલ્પમાં પ્રભુની લીલાનો એક પ્રસંગ છે કે અષાઢની અંધારી અમાસે ગોપીજનો લીલાં વસ્ત્રોભૂષણો ધરી લીલી ધરોથી શોભતી અને સુંવાળી વ્રજભૂમિ પર ચરણો ધરતાં ધીમી ચાલે ચાલતાં ચારે તરફ નજર ફેરવી નંદનંદનને સંભારી પોકાર કરે છે , “ હે નંદદુલારા ! હે મનમોહન ! આ અમાસે તો નર—નારી જુદા ન જ રહે માટે હે વ્રજેશ ! વ્રજમાં લીલી કુંજોમાં હિંડોળે ઝુલવા પધારો !”
આ પ્રમાણે અષાઢ માસના દિવસોમાં વ્રજભક્તો વ્રજનારીઓનો વિરહ અને વ્યાકુળતા જોઇ મથુરા થી પ્રભુ અષાઢી અમાસે વ્રજભક્તોની વચ્ચે, વ્રજવનમાં પધાર્યા એટલે વિરહી ભક્તોના આનંદનો સુમાર રહ્યો નહિ. બધાએ ભેગાં થઇ આનંદના અતિરેકમાં લીલાં પાંદડાંથી, લીલો ઝુલો તૈયાર કરી, લીલી ઝુલ બાંધી પ્રભુને ઝુલામાં પધરાવી ઝુલાવવા લાગ્યાં અને પ્રભુ પધારવાથી અમાસની અંધારી રાતમાં પ્રભુરૂપી પ્રગટ તેજ થવાથી હાંડીઓમાં રોશની કરી. આજે પણ નાથદ્વારામાં હરિ અમાસે હાંડી ઉત્સવ એ ભાવથી યોજાય છે.
આમ દિવસે 'હરિ આવ્યા' એટલે આ દિવસને *હરિયાળી અમાસ* કહેવાય છે.
આ દિવસે પુષ્ટિના મંદિરોમાં પ્રભુને વસ્ત્રાભૂષણો અને હરિ સામગ્રી ધરાય છે, અને લીલા સાજ થી સજેલો અને લીલા પાંદડાનો જ હિંડોળો તૈયાર કરાય છે તેમાં પ્રભુને ભાવથી ઝુલાવાય છે. પત્તાનો હિંડોળો ન બાંધે તો કાચનો હિંડોળો સિદ્ધ કરવો.
=======================================