દિલ દરવાજો.
દિલના દરવાજે આવીને ઊભા હવે તો મૌન છોડોને.
ઉરના ઉંબરે આવ્યા તમે એકલા હવે તો કૈંક બોલોને.
ક્યાં સુધી રાખશો રહસ્ય છૂપાવી તમારા અંતરઓરડે,
ખુલ્લી કરોને કિતાબ પડદા છે પ્રશ્નાર્થના એ તો ખોલોને.
આંખ સમજી શકે મનોવેદના પારસ્પરિક એની ના નહીં,
જશ આપોને જિહ્વાને સુસુપ્ત મનોવેદનાને તમે ઢંઢોળોને.
શબ્દસ્થ થવું છે જરુરીને સારું પણ ઊભય પક્ષે આજે,
બનીએ પારદર્શક આપણે થયું છે ઘણું મોડું એટલું કબૂલોને.
ગણિત મૂકો ગઈગુજરીનું ઓળઘોળ થઈને આવો તમે,
સહજીવનની સંકલ્પના મારી ના કહેશો એકલોઅટૂલોને.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.