Gujarati Quote in Motivational by Chaitanya Joshi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શિક્ષક અને વિદ્યાર્થી.
આજના ગુરુપૂર્ણિમાના પાવનપર્વ પર મારે શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધોની વાત કરવી છે જે કૈંક અંશે ગુરુશિષ્યના સંબંધ સાથે સામ્ય ધરાવે છે. સમગ્ર દુનિયાનો માપદંડ ' સામ્ય અને ભેદ ' ઉપર આધારિત છે. કોઈ પણ ઘટના વ્યક્તિ જોવે છે ત્યારે એના મગજમાં રહેલી કોઈ અતીતની ઘટના સાથે તુલના કરશે. એ ઘટના અને આજની ઘટના વચ્ચે સામ્ય છે કે ભેદ? એ મુદા પર એ વિચારશે.
ભૂતકાળમાં ડોકિયું કરીએ તો જોવા મળશે આ પ્રકારનાં દ્રશ્યો.
✅ ગુરુનું વિધિવત્ પૂજન કરતા શિષ્યો.
✅ ગુરુજીને સાષ્ટાંગ દંડવત્ કરતા
શિષ્યો.
✅ ગુરુની આજ્ઞા બ્રહ્મ આજ્ઞા માની અનુસરતા શિષ્યો.
✅ ઈશ્વરથી પણ ગુરુને અધિક માનતા શિષ્યો.
આજે પરિસ્થિતિ બદલાઈ છે. ગુરુને બદલે શિક્ષક છે. શિષ્યને બદલે વિદ્યાર્થી છે. શિક્ષકો મહેનતાણું લઈને ભણાવે છે. વિદ્યાર્થી ફી ભરીને ભણે છે. તેમ છતાં, શિક્ષકનું સ્થાન અને માન અકબંધ છે. વિદ્યાર્થીના જીવનમાં કૈંક સિંચન કરે છે. જ્ઞાનવારિ પીવડાવી પરિતૃપ્ત કરે છે. કેટલાક અપવાદોને અત્યારે હું સાઈડમાં રાખીને વાત કરું છું.
કલેકટર કે કોઈ મોટું સ્થાન ધરાવતો અધિકારી જો જાહેરમાં એના શિક્ષકને વંદન કરે કે પગે લાગે તો ધન્યવાદને પાત્ર છે, શિક્ષક અને વિદ્યાર્થી પણ. વિદ્યાર્થી પોતાનો ભૂતકાળ યાદ કરી શિક્ષક પ્રત્યે અહોભાવ વ્યક્ત કરે છે. શિક્ષક પણ એના ખબરઅંતર પૂછે છે. માથે હાથ મૂકી આશીર્વાદ આપે છે.
આજના યુગમાં સગો દીકરો પોતાના બાપને પગે લાગવા તૈયાર નથી. અરે.! પગે લાગવું તો દૂરની વાત છે, બો લાવવા પણ તૈયાર નથી. સંયુક્ત કુટુંબો તૂટતાં જાય છે. પિતાપુત્રના સંબંધો તનાવયુક્ત બની જતા હોય છે. ફલતઃ વૃદ્ધાશ્રમમાં સંખ્યા વધતી જાય છે. આ તબક્કે શ્રવણ જેવા પુત્રો કદરને પાત્ર છે. પરંતુ આવા કપરા કાળમાં કોઈ વિદ્યાર્થી પોતાના પૂર્વ શિક્ષકને પગે લાગી ખબરઅંતર પૂછે તો માનો સાચા અર્થમાં ગુરુપૂર્ણિમા ઊજવાઈ ગઈ. આ ઘટના જૂના સમયમાં ગુરુને સર્વસ્વ માનતા અને પૂજન કરતા શિષ્યોથી જરાક પણ ઊતરતી નથી, પણ એનાથી પણ ચડિયાતી છે. જય ગુરુદત્ત અસ્તુ.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Motivational by Chaitanya Joshi : 111884271
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now