સર્વસમર્પણ કરવા આવ્યો દ્વારે નાથ દરવાજા ખોલોને.
સેવક કદી તમને ના પડતા ભારે નાથ દરવાજા ખોલોને.
હેત હૈયાંના ઊભરાવીને પ્રેમપદારથ ગ્રહીને આવ્યો છું,
રહું છું તારા ભક્તવત્સલતા નારે નાથ દરવાજા ખોલોને.
થાક્યો ભવજળે ભટકીભટકી ના મંઝિલ મને દેખાતી,
મારી જીવનનાવ લાવોને કિનારે નાથ દરવાજા ખોલોને.
પ્રતિક્ષાની પરમેશ પરાકાષ્ઠા પરમ પ્રભુ પ્રેમે પુલકાવોને,
સમર્પણ જીવનનું કરું મઝધારે નાથ દરવાજા ખોલોને.
અબ્ધિવાસી, અવિનાશી, આજે અંતરથી આવકારોને,
સેવક સ્વયં હરિવર તમને પોકારે નાથ દરવાજા ખોલોને.
જન્મોજન્મની અભિલાષા મારી વૈંકુઠવાસી તમે પૂરોને,
શું કહેવું કરગરીને તમને વારંવારે નાથ દરવાજા ખોલોને.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.