વયસ્કોની સાથે મળીને જિંદગી જીવવી ગમે.
સાહિત્યના સૂરે ભળીને જિંદગી જીવવી ગમે.
હોય ઢળતો બપોરને તરુવર છાંયે બેઠક કરી,
મિત્રોની કવિતા સાંભળીને જિંદગી જીવવી ગમે.
ના હોય કોઈની આઘીપાછી કે નિંદા સુધ્ધાંયે,
પંચાતની એ બલા ટળીને જિંદગી જીવવી ગમે.
દ્રુમપલ્લવો અનિલસંગે હાથતાળી જાણે દેતા,
નિસર્ગનો સાથ હોય વળીને જિંદગી જીવવી ગમે.
સવિતાનારાયણ ઢળતાં ખગ નિજ નીડે સંચરે,
હોય કોઈ સ્વજન ફળીને જિંદગી જીવવી ગમે.
ના રહે દૂર પ્રકૃતિ નિજ માનસથી કોઈકાળમાં,
રહેવું કુદરત સંગે ભળીને જિંદગી જીવવી ગમે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.