" મા તારો આભાર "
દર્દ સહીને આપ્યો જનમ, 'મા' તારો આભાર!
ઉછેર કર્યો જાણે સુમન, 'મા' તારો આભાર!
બૂંદ બૂંદ સિંચ્યું છે તેં, મારામાં તારું રુધિર!
ત્યારે બની દિલની ધડકન, 'મા' તારો આભાર!
ભીને સુતી 'તી ખુદ, ને સૂકે મને સુવડાવતી!
તારા થકી ઉજળું તન મન, 'મા' તારો આભાર!
શું ખરું? ને ખોટું શું? તેં મને શીખવાડ્યું 'મા'!
તેં કર્યું સંસ્કારોનું સિંચન, 'મા' તારો આભાર!
આંગળી મારી પકડીને ચાલતાં તેં શીખવ્યું 'મા',
સદા મળ્યું તારું માર્ગદર્શન, 'મા' તારો આભાર!
"વ્યોમ" કે અવની પર, તારો જોટો નહીં મળે!
પ્રથમ તું પછી જ ભગવન, 'મા' તારો આભાર!
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર