"મજા હજુ બાકી છે"
ક્ષણિક થોભ એ જિંદગી, મજા હજુ બાકી છે;
પ્રણય કર્યાના ગુનાહની, સજા હજુ બાકી છે;
મિલનની કહો કે વિરહની, શું ફરક પડે છે હવે?
બેઉ પરિસ્થિતિમાં મળવી, વ્યથા હજુ બાકી છે;
સૂર્યોદય થયો છે હજુ હમણાં અમારા પ્રેમનો,
મીલનની મનોહર માણવી, સંધ્યા હજુ બાકી છે;
મુલાકાતો થશે, વાતો થશે ને થશે થોડો ફિસાદ!
ગામતળે ભાગોળે ફેલાવી, અફવા હજુ બાકી છે;
જાગવું, તડપવું, ઝૂરવું, તૂટવું, ફૂટવું ને અંતે છૂટવું!
આવી તો કેટ કેટલી સહેવી, વેદના હજુ બાકી છે;
દિલ આપ્યું ને પરત પણ લીધું, પણ પૂરૂં ક્યાં મળ્યું?
મળ્યું છે "વ્યોમ" એની જોવી, દશા હજુ બાકી છે;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર