ભાસી મને શીતળતા તારી હરિ સાગરકિનારે.
ભાસી મને શીતળતા ન્યારી હરિ દ્રુમના પનારે.
આમ તો સ્વાર્થી છે દુનિયા પરહિત ન વિચારે,
ભાસી મને શીતળતા પ્યારી પરગજુના સહારે.
આપે છે બુંદ અમી શાં વરસીને વર્ષા સહજને,
ભાસી મને શીતળતા સારી વર્ષાવારિ સથવારે.
શીત સમીર આપે ગ્રીષ્મકાળે ઠંડક પ્રસરાવીને,
ભાસી મને શીતળતા ન્યારી અનિલના ઉપચારે.
હોય સંકટકાળને ના સહાય દીસતી આસપાસ,
ભાસી મને શીતળતા ઠારી પ્રાર્થનાના ઉદગારે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.