દિવસને રાતને જોડતીકડી જાણે દેખાય છે ઢળતી સાંજે.
અગનગોળા વરસાવતો સૂર પણ સંતાય છે ઢળતી સાંજે.
લાલિમા આભે પથરાઈને સૌંદર્ય નભનું વધારતી દેખાતીને,
નીડ ભણી વિહંગો સહજ જતાં પરખાય છે ઢળતી સાંજે.
પાછો ફરે છે ગોપાલ ધેનુ ચરાવીને ગાતો ગાતો મોજ થકી,
ગોરજથી જાણે કે ધરા ખુદ પુનિત થાય છે ઢળતી સાંજે.
ઘેરઘેર થાય દીવાબત્તીને સૂર ક્યાંક આરતીના સંભળાતા,
મંદિરે ઝાલરનાદ મધુરો સૂર છેડી જાય છે ઢળતી સાંજે.
ધીમે પગલે આગમન રજનીરાણીનાં નભોમંડળે પરખાતાં,
શુક્ર તારક આથમણે પ્રકાશીને મલકાય છે ઢળતી સાંજે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.