સ્ત્રી એટલે........? સામાન્યપણે આ પ્રશ્નનો ઉત્તર નીચે પ્રમાણે મળતો હોય છે. સ્ત્રી એટલે શક્તિ. સ્ત્રી એટલે ત્યાગની મૂર્તિ. સ્ત્રી એટલે મમતાનો સાગર. સ્ત્રી એટલે જન્મદાતા. સ્ત્રી એટલે માતા, બહેન, પત્ની વગેરે વગેરે..... શું આટલામાં જ સ્ત્રીની વ્યાખ્યા થઈ જાય? શું આટલામાં જ સ્ત્રી સમજાય જાય? શું આટલામાં જ સ્ત્રી વર્ણવાય જાય? ચાલો આજે આ મહાન પાત્રને એક અલગ દૃષ્ટિકોણથી સમજીએ (આમ તો સ્ત્રી પાત્રને સમજવું એ અંશતઃ અસંભવ છે) અથવા તો સમજવાનો પ્રયાસ કરીએ. સ્ત્રીએ કુદરતનું સર્જન ખરું પણ સ્ત્રી પોતેજ કુદરત છે...જેમ પ્રકૃતિ પોતાનામાં થતાં બધા ફેરફારોને એક અલગ રૂપ કે સૌંદર્ય પ્રદાન કરવાનું સામર્થ્ય ધરાવે છે એમ સ્ત્રી પણ પોતાનામાં થતાં બધા જ ફેરફારો ને એક અલગ જ રૂપ આપી શકે છે. કુદરતે પોતાના પછી સર્જન કરવાનું સામર્થ્ય જો કોઈને પ્રદાન કર્યું હોય તો એ સ્ત્રી છે. આમ સ્ત્રી સર્જનહાર છે - કુદરત છે - પ્રકૃતિ છે. સ્ત્રી એટલે પ્રતિકૂળતાને અનુકૂળતા માં ફેવનાર એક સફળ કલાકાર છે. એક પુરુષના શર્ટના તૂટેલા બટન થી લઈને એના તૂટેલા આત્મવિશ્વાસને જોડવાની આવડત જો કોઈનામાં હોય તો એ એકમાત્ર સ્ત્રી છે. એટલે સ્ત્રી એ આત્મવિશ્વાસનો અફાટ સાગર છે જેની સામે ગમે તેવા પ્રતિકૂળ સંજોગો પણ ઝૂકી જાય છે અને એને માર્ગ પ્રદાન કરે છે. સ્ત્રી એટલે ભવિષ્ય..વર્તમાનમાં બે જીવ સાથે અસહ્ય પીડાઓ સહન કરીને આવનાર ભવિષ્ય નો અહેસાસ જો કોઈ કરાવી શકે તો એ ફક્ત સ્ત્રી છે. વારસા ને ટકાવી રાખવાનું સપનું જોવું હોય તો સ્ત્રી પાત્ર વિના એ સપનું કોઈ સંજોગોમાં પૂરું ના થઈ શકે. બીજા શબ્દોમાં કહું તો ભવિષ્ય નિર્માણ નિશુલ્ક સેવા આપતી એક માત્ર યુનિવર્સિટી એટલે સ્ત્રી. જે વિશ્વનો કોઈ પણ શિક્ષક ના કરી શકે એ સ્ત્રી કરી શકે. અને એટલે જ ભગવાન શ્રીકૃષ્ણ પણ બોલી શક્યા હતા..... "સંભવામિ યુગે યુગે". સ્ત્રી એક કુશળ કારીગર છે જેના માટે "મલ્ટી - ટેલેંત્તેડ" શબ્દ પણ વામણો લાગે.