શીર્ષક - "આગમન વસંતનું"
વસંતના આગમનથી સુમન હસી પડ્યાં;
આવ્યો સાવન તો ઝરણ હસી પડ્યાં;
સમંદરનો દૂરથી સાંભળ્યો ઘુઘવાટ ને,
વહેતી નદીઓનાં વહેણ હસી પડ્યાં;
શબનમની જરા જ્યાં પથરાઈ ચાદર,
ત્યાં હરખ ઘેલાં થઈ રણ હસી પડ્યાં;
નહીં છિપાવી શકે એ તરસ છતાંય,
ઝાંઝવાં જોઈને હરણ હસી પડ્યાં;
વિહંગાવલોકન થ્યું "વ્યોમ" પર તો,
ધરા પર વેરાયેલાં ચણ હસી પડ્યાં;
કાન્હાની વાંસળીનાં સૂર શું રેલાયાં,
ગાયોનાં તો ધણે ધણ હસી પડ્યાં;
હર એક કણમાં છે વસવાટ રામનો,
એ સાંભળી કણે કણ હસી પડ્યાં;
આવી છે ઋતુ મસ્તી ભરી વસંતની,
લહેરાતાં હર એક પર્ણ હસી પડ્યાં;
વસંત ઋતુમાં યાદ આવ્યું કોઇ વ્હાલું,
"વ્યોમ" અમે તો અકારણ હસી પડ્યાં;
✍... © વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર.