શીર્ષક -"સૂરજને બાથ ભરી લઉં"
સૂરજને પણ બાથ ભરી લઉં;
ચંદાને આજ સંગાથ કરી લઉં;
ધરતી પરના એ ચાંદને જોવા,
દિવસને પણ રાત કરી લઉં;
અંધકાર ભરેલી આ રાતમાં,
ઝગમગ તારાની ભાત કરી લઉં;
ગગને ઊડતાં પતંગિયાં સંગ,
પવનની સાથ સાથ વહી લઉં;
ગુંજન કરતાં ભમરા જોઈને,
સુમન સંગાથે વાત કરી લઉં;
ચોમેર ખીલ્યાં છે ફુલ બાગમાં,
શ્વાસે શ્વાસે સુવાસ ભરી લઉં;
ઝાકળ બનીને આજ પરોઢિયે,
પર્ણ પર થોડો વસવાટ કરી લઉં;
હરણો દોડ્યાં ઝાંઝવે ઝાંઝવે,
રણે છીપાતી પ્યાસ બની લઉં;
વહેતાં ઝરણાંનો પ્રેમ ઝીલવા,
ખૂદને આજ પાષાણ કરી લઉં;
સનમ મહેરામણને મળવા માટે,
સરિતા સંગ પ્રવાસ કરી લઉં;
આપું પ્રિયે તને હું શું નજરાણું?
સિતારાઓની સોગાત ધરી લઉં;
"વ્યોમ" ધરતીના મિલન કાજે,
ક્ષિતિજની તલાશ કરી લઉં;
માણસ બનીને આજ "વ્યોમ"
ખુદની માણસ જાત કરી લઉં;
✍..© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર.