તું આખ્ખે આખો દેખાય છે મારા અંતરની બારીમાંથી.
તેથી જ દિલ કેવું હરખાય છે મારા અંતરની બારીમાંથી.
આ તો રોજનો ક્રમ થયો તને અવલોકવાનું ઉરઊંડાણે,
સદૈવ પ્રકૃતિમાંયે પરખાય છે મારા અંતરની બારીમાંથી.
ના કરી શોધ મેં ક્યાંય કોઈ જગ્યાએ સતત ભમીભમીને,
તારો રાજીપો હવે છલકાય છે મારા અંતરની બારીમાંથી.
શું કરું સ્તુતિ, પ્રાર્થના કે સ્તવન રીઝવવા અર્થે તને કદી,
હૃદયમાં અહર્નિશ ધબકાય છે મારા અંતરની બારીમાંથી.
નહીં કરું ભૂલ તને વર્ણવવાની શબ્દસહારે હે પરમેશ્વર !
તું આતમ ઉજાસે ઓળખાય છે મારા અંતરની બારીમાંથી.
ચૈતન્ય જોષી ' દીપક ' પોરબંદર.