શીર્ષક - " તાલ બદલી જાય છે "
પળભરમાં જ માણસના ખ્યાલ બદલી જાય છે;
જીવન રાહમાં અવારનવાર ચાલ બદલી જાય છે;
આમ જુઓ તો કાલને બદલવી કૈં અઘરી નથી,
આજથી કરો શરૂઆત તો કાલ બદલી જાય છે;
કેમ બતાવવો હવે કોઈને અરીસો કોઈ તો કહો?
સાચું કહો તો વાણીનો સૂર તાલ બદલી જાય છે;
અમે પણ ગમતાંને, ક્યાં ગંજવે ભર્યું હતું કદી?
છતાં, છૂટથી એ વેરતાં ગુલાલ બદલી જાય છે;
રાખ્યા હતા મિત્રો અમે પણ ઢાલ સરીખા જ,
પડી જરા જ્યાં વિપદા તો ઢાલ બદલી જાય છે;
સીંચતા રહ્યા સંબંધો કાયમ લાગણીથી "વ્યોમ"
સ્વાર્થથી ભરેલા ખેતરોમાં ફાલ બદલી જાય છે;
આજ કાલ જમાનો પણ અજીબ ચાલે "વ્યોમ"
આપો જવાબ સાચો તો સવાલ બદલી જાય છે;
✍..© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર.