આખરે પ્રેમ લગ્નને કોણ રોકે છે? માતાપિતાના જૂનવાણી વિચારો કે પછી પ્રેમી તેમના મા-બાપને સમજાવી નથી શકતા એ? પ્રેમમાં નાત, જાત, ધર્મ કે પૈસાને અવકાશ નથી હોતો તો પણ આપણે શું કામ એને જબરદસ્તીથી પ્રેમ સંબંધમાં વચ્ચે લાવીએ છીએ? સંતાન જેને પ્રેમ કરે છે, જેને પસંદ કરે છે એણે એ કરતા પહેલા એ પાત્રમાં કંઈક તો જોયું હશે ને? તો પછી માતાપિતા એ સંબંધને કેમ જલ્દીથી નહિ સ્વીકારતા હોય? આમ તો માતાપિતા એમના સંતાનને દરેક ખુશી આપવા તત્પર હોય છે તો જ્યારે વાત બીજી જ્ઞાતિમાં પ્રેમ અને લગ્ન કરવાની વાત આવે તો પછી એ શું કામ એમાં અવરોધરૂપ બને છે? એમનાં સંતાનોના પ્રેમ સંબંધ કરતા માતાપિતા માટે જ્ઞાતિ, ધર્મ કે મિલકતનું વધારે મહત્વ હશે? માન્યું કે પ્રેમથી પેટ નહિ ભરાય પણ પ્રેમમાં બંને પાત્ર ભેગા થઈને એમનું પેટ ભરી શકે એટલું તો કમાઈ જ લેશે, એ વિશ્વાસ આપણે માતાપિતા તરીકે એમની ઉપર મૂકવાનો છે. આમ તો એમને વિશ્વાસ હોય જ છે તેમના સંતાન પર તો પછી જ્યારે એ પ્રેમ લગ્નની વાત કરે ત્યારે એમનો પહેલો પ્રશ્ન એ કેમ હોય છે કે 'પાત્ર કઈ જ્ઞાતિનું છે'? માન્યું કે તેઓ સંતાનની ભલાઈ માટે બધાં પ્રશ્નો પૂછે છે પણ એમને એ તો ખબર હોવી જોઈએ ને કે તેમના સંતાનો એ પણ પાત્ર પસંદ કરતા પહેલા ખુદની ભલાઈ અને ખુશી જોઈ જ હશે. સંતાનો એમના બ્રેકઅપની વાત એમનાં માતાપિતાને નથી જણાવી શકતા કારણ કે ક્યાંક ઊંડે ઊંડે એમને ખબર હોય છે કે માતાપિતા સધિયારો નહિ જ આપે. આપણે પ્રેમ લગ્ન અને પ્રેમ સંબંધને સહજતાથી નથી સ્વીકારી શકતા એટલે આપણે આપણા સંતાનોને બ્રેકઅપનુ દર્દ એકલપંડે સહન કરવું પડતું હોય છે અને પછી ધીમે ધીમે આપણી પાસેથી સંતાન સરકતું જાય છે અને આપણા ભાગમાં આપણે ફરિયાદો સિવાય કશું જ નથી લાવતા. બહુ નસીબદાર હોય છે એ સંતાનો જેમનાં માતાપિતા એમના પ્રેમલગ્ન ને સ્વીકારી લે છે અને જેમનાં મા-બાપ સંતાનને હાર્ટ બ્રેક વખતે સધિયારો આપે છે એવા સંતાનો પણ ભાગ્યશાળી છે.
જમાનો આટલો આગળ વધી રહ્યો છે તો આપણે ક્યારે આપણા વિચારોથી બદલાઈશુ? આપણે ક્યારે સંતાનના પ્રેમ સંબંધને નાતિ, જાતિ કે ધર્મના બંધન વગર સ્વીકારીશું? બે જ પંક્તિમાં પ્રેમનો મર્મ સમજાવતી ગુજરાતી ગઝલનો શેર:
"પ્રેમ ક્યાં પંડીતાઈ માંગે છે,
ફક્ત દિલની સફાઈ માંગે છે"!