સતત વ્યસ્ત રહેવાનું કારણ કોઈ પૂછે તો શું કરવું?
ને વળી જવાબે કોઈ ચહેરો યાદ આવે તો શું કરવું?
દિલ તુટવાની વ્યથા એમ જ્યાં ને ત્યાં ક્યાં માંડવી?
વાત કરો ને કોઈ "વાહ વાહ" ઉચ્ચારે તો શું કરવું?
ઘર,શેરી,ગામ,પાદર ને પંથક આખોય છોડે એ ઠીક,
પણ સાલું કોઈ હૃદયનો ખૂણો ના છોડે તો શું કરવું?
ભુલ્યા હોય જેને અમાવસ્યા સુધી માંડ માંડ હજી,
એ ફરી પૂનમ આવે ને બહું યાદ આવે તો શું કરવું?
સૂકવો જુદાઈના ભરતડકે,એકદમ કોરૂકટ્ટ થવા તોય,
દિલ પ્રેમની ભીનાશથી તરબતર રહે,તો શું કરવું?
ને છોડ બધી મગજમારી,થાય તે થવા દે "પ્રવેશ",
મીણને આગની ટેવ પડી છે-ભલે ઓગળે,શું કરવું?
- નિર્મિત ઠક્કર (૧૨/૧૦/૨૦૨૨)