અભાવો અને અપૂર્ણતા આપણને જીવાડ્યા કરે છે . જાત , જીવન અને પરીસ્થિતિને પૂર્ણ અને પરફેક્ટ કરવાની ઘેલછા જ આપણને રોજ સવારે ઉઠાડે છે . જે દિવસે કોઈ ઈચ્છા જ નહીં રહે , એ દિવસે કદાચ ઉઠવાનું મન પણ નહીં થાય . સુખ , સમૃદ્ધિ અને સંપૂર્ણતા એટલા બધા પણ સારા નહીં કે શ્વાસ લેવાની આળસ આવે . આપણી અંદર રહેલી અદમ્ય અને તીવ્ર ઈચ્છાઓ આપણું ગુગલ લોકેશન છે . એ ઈચ્છા , એ લક્ષ્ય , એ ધ્યેય જ આપણને આગળ વધાર્યા કરે છે . એ ઈચ્છાઓ સુધી પહોંચવાની મુસાફરી અને મથામણનું નામ જ જિંદગી છે .