હમણાં ઋષિપંચમી હતી. અમારા ગામડા ગામમાં આજના દિવસને સૉમા પાંચમ પણ કહે છે. સૉમા પાંચમના દિવસે અમારે ત્યાં દાયકાઓ કે સદીઓ પૂર્વેથી પળાતા આચાર વિચારની, ગ્રામિણ ખેડૂત પરંપરાની મને ખબર એટલી વાત કરૂં.આ પ્રથા, પરંપરા મેં જોયેલી, જાણેલી, અનુભવેલી છે.
(૧) આ દિવસે બળદના ખભે ધૂંસરી નહીં મુકવાની. આખો દિવસ બળદને આરામ આપવાનો.
(૨) આ દિવસે ખેતરમાં પાકેલું અન્ન પોતે નહીં ખાવાનું તેને બદલે શેઢે, વગડે કે નથી ખેડાતી એવી પડતર ધરતીનું
અનાજ ( જે પહેલાના ઘૈડિયા આ દિવસ માટે સંઘરી મૂકતા. ) તે રંધાય.
(૩) આ દિવસે બળદનો હાકેડું ઉપવાસ રાખે.
(૪) આ દિવસે સૉમાનો બાટ કે ખીર કે ભાત કે બાફલો ખેડૂત ખાય, જે પોષણ આપે તથા પાચન માટે હલકું હોય.
(૫) સૉમો...સાવ નિર્દોષ અન્ન છે. તેનો આહાર ચોમાસે થતા મંદાગ્નિને ઉદ્વિપ્ત કરવામાં સહાયક થાય છે.
(૬) સૉમા પાંચમનો દિવસ આખો, ખેડૂત એના આરામ કરતા બળદસાથે ગોઠડી કરતાં કરતાં ,એને જુએ,તપાસે, નિરીક્ષણ કરે.એની આંખના ચીપડા સાફ કરે.બળદના નાકને નડતી ખૂંચતી એની નાથ, જે કડક થઇ સંકોચાઇ, એના નાકની અંદરૂના ભાગને ઘસારો પહોંચાડતી હોય તેને દિવેલ વાળી કરીને પોચી,ઢીલી, મુલાયમ કરે. એની ઘુઘરમાળના ચામડાના કડક થઇ ગયેલા પટ્ટાને તેલ, દિવેલ ચોપડી નરમ મુલાયમ કરે. ઘુઘરા ઘસે, માંજે. ચોખ્ખા ચકચકિત કરે. પછી, બળદને નવડાવે.છાણ- મૂતરથી બગડેલી તેની પૂંઠ-ગુદાને; ધોઇ- ચોખ્ખી કરે. એના આખા દેહને માલિસ કરે. એને ગમાણની બહાર બાંધી, ગમાણ સાફ સુથરી કરે. એના બેસવાની જગ્યાએ તાપણું કરી એને જંતુ મુક્ત કરે. એ દિવસે બળદને લીલું નીરવાને બદલે, તેને સુક્કા પૂળા- પરાર નીરે. કેમકે; આખા ચોમાસામાં લીલો ઘાસચારો ખાઇ ખાઇ બળદ એના ઉત્સર્ગેને પોદરારૂપે નહીં પણ છેરામણ તરીકે કરતો હોઇ, તેને પરેજી રૂપે કે 'લીલા ચારાનો ફરજિયાત ઉપવાસ' રખાવી સાંજે ગવાર, કપાસિયા, ગૉળ, મગફળીના છોતરા, વધેરેલા શ્રીફળનું કૉપરૂ, દુધની બનાવટો કરતાં વધેલ ગુણકારી સામગ્રી, વધેલી બીન ઉપયોગી શાકભાજીવાળી સામગ્રીમાં માપે પાણી અને મીઠું નાખી, તેને ચુલે ચડાવી બરાબરનું પકવી અધમણ ગુણયુક્ત આહાર સાંજે એને વાળુંના રૂપે અપાય. કેટલાક ઘેલા ખેડૂતો તો બળદ એનું ગોતુ ખાઇ રહે ત્યાં સુધી એની આગળ પાછળ બેસી એની સાથે વાતો કરતાં કરતાં એને ચોંટેલા જિન્ગોડા, કથીરીઓ વીણે. એના આખા શરીરે હાથ ફેરવી જુએ, તપાસે. એના ઊઝરડાઓપર દૂધનો લેપ કરે. એની ખરીઓ તપાસે. ઘરડા બળદોની વધેલી ખરીઓ જાણકાર પાસે કપાવડાવે. શિયાળે ગોદડી ઓઢાડાતી. ઉનાળે લીમડા નીચે બંધાતા. ચોમાસે વરસાદમાં ઓસરી માં એના માટે ખીલા ખોડાતા.
ત્યારે; અમે આજના જેટલા પૈસાદાર તો ન્હોતા કે આધુનિક પણ ન્હોતા પરંતુ અમે અમારાં પશુધનને ઘરના માંણહની જેમ સાચવતા. આ સૉમા પાંચમનો દિવસ એટલે પોતાના બળદોએ કરેલી સેવાના બદલામાં ખેડૂતે દાખેવેલ આભિજાત્ય શાલીન સદભાવ. વિના બોલી કરેલો વિવેક. તો, સામે છેડે પ્રતિભાવ દાખવતા બળદોનું પૂછ હલાવી શીંગડા હલાવી, માથું હલાવી ચામડી થથરાવી, કે,આંખોથી ડળક ડળક આંસુ પાડી અથવા એની ઘુઘરમાળના ઘુઘરા વગાડી પ્રતિભાવ પાઠવતા, પિતાતુલ્ય નહીં પણ ઋષિતુલ્ય એવા બળદને અમારા વડીલો પૂજતા. વારે તહેવારે એમને ય જીવતા જણની જેમ ચાંલ્લા કરાતા. શુકનના ગૉળ કંસાર કે લાડુ એને ખવડાવતા.બહેન દીકરીઓ રાખડીઓ બાંધતી. અરે,
એ વૃદ્ધ થતા ત્યારે એમને મા- બાપ સમા ગણી અંતિમ શ્વાસ સુધી એમને પાળતા પોષતા. એ તો ઠીક, મર્યા પછી
એમને ઋષિઓની જેમ સમાધિ અપાતી. જે ખેતરને એણે પોતાનું કર્યું/ ગણ્યું એ ખેતરની માટીમાં એ મટી જઇ ખાતર થઇ જતો.

CP,🙏🙏

Gujarati Blog by Krishna : 111829870
Kamlesh 2 year ago

અદ્દભુત છે આપણી સંસ્કૃતિ... આ પ્રથા હજુ શરુ જ છે... ગામડાઓમાં... હા ટ્રેક્ટરના આવિષ્કારથી આ ઓછું થયું છે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now