''વેલડું''
કલાપી રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારેજ પોલીટીકલ એજેંટ - અંગ્રેજ સરકાર અને સ્ટેટનાં મુત્સદ્દી મેનેજર, કારભારી, અને કાકાબાપુ જશવંતસિંહજીની મંજુરીથી કલાપીથી 8- વર્ષમોટા કચ્છ-રોહા સ્ટેટના રાજકુમારી રમાબા (રાજબા) અને કલાપીથી 5- વર્ષમોટા કોટડા - સાંગાણીના રાજકુમારી આણંદીબા (વિદ્યાબા) સાથે સગપણ કરી નાખવામાં આવ્યું હતું, એ સમયે મુત્સદી મેનેજરોની ખટપટ બહુ રહેતી, રાજકુમારો અને કુમારીઓના સગપણ અને વ્યવહારિક બાબતોમાં…
ગોહિલવાડના ગોહિલ ક્ષત્રિયોમાં એ સમયે રીવાજ એવો કે વરરાજાનું ખાંડુ (તલવાર) પરણવા જાય, તલવાર સાથે ફેરાફરી નિયત સમયે વેલડા માં બેસીને રાણીસાહેબા રાજમાં પધારે, અને જે રાણીનું વેલડું રાજ્યમાં પહેલું પ્રવેશે અને પહેલું પોખાય તે રાજ્યના પટ્ટરાણી બને, પટ્ટરાણીને રાજ્ય માં વિશેષ અધિકારો મળતા…
પત્ર-વ્યવહારથી કલાપીએ રમાબા અને આણંદીબાના સંપર્કમાં આવ્યા હતા અને કલાપીએ રમાબાનું પોંખણું પહેલું થાય એવું કહેવડાવ્યું હતું પણ ત્યાં તો !!!
ઈ.સ.1889 ના ડીસેમ્બર માસનો એક દિવસ લાઠીના દરબારગઢમાં આનંદ અને ઉછરંગ, છવાય જાય છે, નગરજનો પણ ઉત્સાહથી રાહ જોવે છે કે આજે સુરસિંહબાપુની વેલ પધારશે….
અને કોટડા સાંગાણીના મુત્સદી મેનેજર ઉમિયાશંકરે રાજકીય ખટપટો કરીને પોતાના રાજ્યના રાજકુંવરી આણંદીબાનું વેલડું લાઠી રાજ્યમાં પહેલું પ્રવેશે તેવું ગોઠવી નાખે છે અને આણંદીબા, લાઠી-રાજ્યમાં પહેલા પ્રવેશ્યા અને પોંખાયા તેથી તેઓ પટ્ટરાણી બને છે...
રમાબાને આ બિલકુલ મંજુર નથી પણ !!!
રાજકીય, ખટપટો, અને સત્તાની મહત્વકાંક્ષાની ખરી શરૂઆત અહીંથી થાય છે.
કલાપીના જીવન-કવનને સમજવા માટે આ પ્રસંગને ધ્યાનથી સમજવો પડે તેમ છે....
રમાબા અને આણંદીબાનો વિદ્યા-અભ્યાસ પણ ખાસ નહી, આણંદીબા સ્વભાવે સાલસ અને ભોળા તો રમાબા બહુ હોંશિયાર અને મુત્સદ્દી…
કલાપીના માતા-રામબાના અવસાન પછી થોડા વર્ષોમાં તેમના જીવનમાં પ્રવેશેલા આ બન્ને રાણીઓના સાવ અલગ અલગ વ્યક્તિત્વને અનુકુળ થવાની કોશિશ પણ કલાપી કરે છે, પણ રમાબાની આવડત પાસે આણંદીબા ટૂંકા પડે છે…
એ સમયે રજવાડામાં અંગ્રેજ સરકારનો સીધો હસ્તક્ષેપ નહોતો પણ આડકતરી રીતે રાજ તો અંગ્રેજ સરકારની અજેન્સી જ ચલાવતી હતી અને કાયદા પણ અંગ્રેજોના જ ચાલતા હતા, એ સમયે રાજાને ત્યાં પહેલું બાળક દીકરા રૂપે જન્મે એ રાજ્યનો વારસ બને, એજેન્સીએ એ માટે ખાસ નિયમો પણ બનાવ્યા હતા પ્રેગનેન્ટ રાણીસાહેબા, પાસે 24- કલાક અંગ્રેજ નર્સની નિમણુક થતી અને અંગ્રેજ ડોક્ટરની દેખરેખ માં જ ફરજીયાત સુવાવડ કરવી, આવો નિયમ બધા રજવાડામાં ફરજીયાત હતો..
એકબીજાના પ્રેમમાં ઓતપ્રોત થયેલા, કલાપી અને રમાબાને એક દીકરી અવતરે છે, જેનું રમાબાના પિયર કચ્છ -રોહામાં બાળપણમાં જ મૃત્યુ થાય છે જેની છબી (ફોટો)પર કલાપીએ એક કવિતા પણ લખે છે,
અને રાજમાતા બનવાની રાણીસાહેબાઓ માં હોડ ચાલે છે. આણંદીબાને ગર્ભ રહ્યાના સમાચાર સાથે રમાબા પણ સારા સમાચાર આપે છે, અને અંગ્રેજ સરકારના નિયમને ફગાવી પોતાના પિયરે કચ્છ જતા રહે છે, ત્યાં એ કુંવર પ્રતાપસિંહજીને જન્મ આપે છે. સુવાવડ વખતે અંગ્રેજ સરકારનો કાયદો ન પાળવા બદલ રમાબા પર શંકા-કુશંકા નો દોર ચાલુ થાય છે. વાયકાઓ ફેલાય છે અને વધતી જાય છે…
બરાબર, 3- મહિના પછી, આણંદીબા પણ કુંવર જોરાવરસિંહજીને જન્મ આપે છે.
રમાબાની ચડાવણી અને પ્રેમમાં ઓતપ્રોત કલાપી આણંદીબા થી અબોલા રાખે છે 11- વરસના લગ્નજીવનમાં 8- વરસ અબોલા રહે છે, એમ કહો કે ક્યારેય મન-મેળ થતો નથી ,,, રાજ્યની ખટપટો પારિવારિક ખટપટો વચ્ચે સાવ એકલા પડી ગયેલા આ રાજવી એકવાર ભયંકર તાવમાં પટકાય છે !!
રજવાડામાં એ સમયે દીકરીની સાથે દાસ-દાસી પણ આણાં માં આપવાનો રીવાજ હતો રમાબા સાથે કચ્છ-રોહા થી એક દાસ (ચાકર) મેરુ ખવાસ આવે છે તેની પત્ની ગુજરી ગઈ હોય છે, એક માત્ર દીકરી મોંઘી સાથે તે લાઠી આવે છે…
લગભગ 9-વરસની મોંઘીનો મીઠો અને મંજુલ સ્વર કલાપીને આકર્ષે છે અને રાજકોટમાં એ સમયે તેમને આંખે-ખીલના (આંજણી) રોગના કારણે હોસ્ટેલની બહાર લીંબડીવાળાને ઉતારે રહેવાની કોલેજ છૂટ આપે છે..
ચંચલ અને ગભરુ મોઘીને, કલાપી વાત્સલ્ય ભાવે નીરખે છે. તેમાં રહેલા હિર ને પારખી તેને અંગ્રેજી 5-ધોરણ સુધી ભણાવવાની વ્યવસ્થા પણ કરી આપે છે, આ સમયમાં રમાબા મોંઘીનું સગપણ રણછોડ ખવાસ નામના એક ચાકર સાથે કરે છે, અને તેનો બાપ મેરુ ખવાસ પણ બીજું લગ્ન કરે છે,
અને મોંઘીની ઓરમાન મા તેના પર ભયંકર અત્યાચાર કરે છે..
ઘાયલની ગત ઘાયલ જાણે !!
મા નો સ્નેહ તો જેને નથી મળ્યો એજ જાણે !!!
માતૃ વાત્સલ્ય એ કલ્પી શકાય નહી તેવો વિષય છે.
નાની ઉમરે માતા ગુમાવનાર કલાપીને પણ મા નો અજંપો રહ્યા કરતો હતો !!
ભયંકર તાવમાં સપડાયેલા કવિની દિલોજાન થી સેવા, ચાકરી કરનારી મોંઘી, પ્રત્યેનો આરંભનો વાત્સલ્યનો ભાવ ક્યારે પ્રેમમાં પરિવર્તિત થયો એ ખબર જ ના પડી, મોંઘીના મન, ચિત અને બુદ્ધિનો વિકાસ જોઈ કલાપી તેનું “શોભના" નામકરણ કરે છે, અને તેના હૃદયનો ઉમળકો જાણીને તેનો સ્વીકાર કરતા કહે છે....
અતિ મોડુ મોડુ વદન તુજ ''ચાહું'' કહી શક્યું
અને મ્હારું હૈયું સમજી નવ કંઈ વ્હેલું શક્યું;
હતી તું તો શિષ્યા, રમતમય એ ચાલ તુજ સૌ,
અહો ! કોડે હેતે હૃદય મમ: એ લાડ પૂરતું.
કલાપી વિષે કહેવાય છે કે ''રાગ અને ત્યાગ વચ્ચે હૈયું એ ઝુલતું હતું'' હકીકતમાં રાગ અને ત્યાગ તેમના જીવનમાં એક સરખા ઓતપ્રોત થયેલા જણાય છે, કલાપીના જીવનનો વિરોધ પ્રેમ અને ફરજ વચ્ચેનો છે.
#kavikalapi
-મહેશ ઠાકર