ભગવાન પણ મને કેવું આ વરદાન આપી ગયા,
ગર્વથી જીવન પૂરું કરું એ સન્માન આપી ગયા.
ભટકી રહ્યો હતો હું આ દુનિયાની ચોખટ પર,
આપ આવ્યા અને પાગલને ભાન આપી ગયા.
આમ તો મારી કિંમત છીપલા જેવી રહી અહીં,
તમારી સાથે મને જોયો લોકો માન આપી ગયા.
ચાહત બે જ રહી છે મારી આપ અને કિતાબ,
મળ્યા નયનથી નયન ને પ્રેમનું જ્ઞાન આપી ગયા.
કત્લ કરવા માટે કામણગારી આંખો કાફી હતી,
અને આપ ઉપરથી કાતિલ મુસ્કાન આપી ગયા.
ફરતી હતી મારી લાશ રોજ આ દુનિયા વચ્ચે,
સ્પર્શ તમારો થયો ને આ દેહને જાન આપી ગયા.
મનોજ માંથી સાહેબ બનાવવાની કળા અજીબ,
આપ્યો પ્રેમ ખૂબ આપે, સ્વાભિમાન આપી ગયા.
મનોજ સંતોકી માનસ