કાવ્ય: "સાંજ તો પડવા દો, દિવસ ને ઢળવા દો"
હજી આ કોકરવરણો તડકો છે,
સાંજ તો પડવા દો.
હજી આ સૂર્ય બુઝાતો ભડકો છે,
દિવસને ઢળવા દો.
હજી ક્યાં પંખી આવ્યા તરુવર પર ?
અને કયાં દીપક પણ પ્રગટ્યા ઘર ઘર ?
હજી ના મનડું બેઠું મહુવર પર,
દેવ મંદિરે નોબત સંગે,
ઝાલર મધુર વગડવા દો.
સાંજ તો પડવા દો
દિવસને ઢળવા દો.
હજી ક્યાં દુનિયાદારી થાકી છે ?
હવાની રૂખ બદલવી બાકી છે.
હજી આ કિરણોમાં કરડાકી છે !
ગમતીલી ગોરજને ઊંચે,
અંગેઅંગ મરડવા દો !
સાંજ તો પડવા દો
દિવસને ઢળવા દો .
હજી આ ધરતી લગરીક ઊની છે,
ગગનની મખમલ તારક સૂની છે,
સાંજ તો શોખીન ને સમજુની છે,
કનક કિરણને નભ વાદળમાં
અદભૂત રંગ રગડવા દો.
સાંજ તો પડવા દો
દિવસને ઢળવા દો.
કવિશ્રી– વેણીભાઈ પુરોહિત
ભાવાર્થ: આ કાવ્ય માં કવિએ બપોર પછી સાંજ પડતા પહેલાના સમય નું દ્રશ્ય વર્ણવ્યું છે.હજુ સૂર્યનો તાપ જરા પણ ઓછો થયો નથી. પંખીઓ વૃક્ષ પર વીજ નીડ માં હજી પરત ફર્યા નથી. દેવમંદિરે સંધ્યા આરતી થવાને વાર છે.આરતી ની ઝાલર અને નોબત વાગવાને વાર છે. સાંજે હજી રંગોળી પૂરવી શરૂ કરી નથી.દીવા પ્રગટવા ને વાર છે. હજી દુનિયા એની રોજનીશીથી થાકી નથી. ધરતીનો ગરમી હજુ ખુલ્લા પગને દઝાડે છે.આકાશમાં તારાઓ ઊગી આવવાને હજી વાર છે. મંદિરમાં ઝાલર-આરતી શરૂ થાય, ઘેર પરત ફરતી ગાયોના ટોળાંની મસ્તીથી આભે ચડેલી ગોરજ આળસ મરડી મસ્તી કરે, સૂર્યકિરણો પશ્ચિમના આકાશને રંગોથી રંગોળી પૂરી દે ;એ પછીની જો કે કઈ વાત કરવાની છે પણ એ સમગ્ર વાત અધ્યાહાર રાખીને કવિએ સંધ્યા પૂર્વેનું એક અદભુત ચિત્ર દોરી આપ્યું છે.
ભાવાર્થ અને પ્રસ્તુતિ: ડો. ભૈરવસિંહ રાઓલ