અષાઢની કાળી કાળી વાદળીઓ બેડલા ભરીને લાવી છે.
તરસેલી ધરતીને જો ને આકાશે આજે પ્રેમથી પલાળી છે.
અચાનક કેમ શહેરની ભીડ વરસાદથી ભાગવા લાગી છે.
વરસાદમાં ભીંજાવાની આજે તો અંદરથી ઈચ્છા જાગી છે.
આમ તો, વરસાદમાં મારા ભીંજાવાની પ્રથા જૂની પુરાણી છે.
પણ આજે તો અહીં ભીડમાં, વર્ષો બાદ એક યાદ દેખાણી છે.
એક મિનિટ, અરે સાચે જ આ તો મારાં હૃદયની રાણી છે.
સમજી જાવ ને યાર, અહી મારા પ્રથમ પ્રેમની આ કહાણી છે.
એની સાથે પ્રથમ વરસાદની યાદ આવતા સહેજ આંખ મિચાણી છે.
હજી તો પૂરું એ દ્રશ્ય તાજું થાય ત્યા તો ફોનની રિંગ સંભળાણી છે.
કેમ વરસાદમાં એકલો પલળે છે? ઠપકો આપતી આંખમાં ઉત્સાહ સાથે ખૂણે પાણી છે.
મારું પણ એજ જૂનું બહાનું કે, મારી નવી છત્રી આજે જ ખોવાણી છે.
-તેજસ