જો સાથ તું નિભાવત, તો બહુ ખરાબ લાગત
હું આંસુઓ વહાવત, તો બહુ ખરાબ લાગત
તારા સિવાય પણ છે બીજું ઘણું ભીતરમાં
છાતી ચીરી બતાવત, તો બહુ ખરાબ લાગત
કેવી નવાઈ છે કે તારા જ રંગ લઈને
તારી છબી બનાવત, તો બહુ ખરાબ લાગત !
થઈ જાય જે સહન, ક્યાં છે દર્દ એવું કોઈ ?
પણ જો હું ચીસ પાડત, તો બહુ ખરાબ લાગત
ખુદનું વજન ઉઠાવી શકવું અશક્ય લાગે
ત્યાં પ્રશ્ન જો ઉઠાવત, તો બહુ ખરાબ લાગત
સ્વીકારી મેં લીધી છે એની જે આદતોને
એને કદી જણાવત, તો બહુ ખરાબ લાગત
મેં માંગણીનો આશય રાખી નથી કહ્યું કૈં
પણ હાલ જો છુપાવત, તો બહુ ખરાબ લાગત
સંકલન - માવજી પરમાર