સમયનો તાલ એકધારો ચાલતો હોય ને 'હા એ હા' ના સૂર દસેય દિશાએથી પૂરાયા કરતા હોય. ત્યારે આ જગત તો મારી ઈચ્છાવર્તી ચાલે! એવું જાણ્યેઅજાણ્યે માણસના મનમાં ભ્રમનું પોષણ થયા કરે.
ભ્રમ તો ભ્રમ છે કંઈ બ્રહ્મ થોડો છે!? જાતે પાળીપોષીને પાંગરેલો ભ્રમ જેવો ભાંગે કે પેલા 'હા એ હા' ના ભેગા કરેલા સૂર હંધાય બેસૂરા થઈને એવા વેરવિખેર થઈ જાય કે શોધ્યાય ન જડે! પછી તો એ સૂર(સંબંધેસંબંધે) વચ્ચે થતી વાતચીતની ઢબ ફરે! એમાં દરેક પોતપોતાનો 'એક હું જ' હો! નામનો સૂર પૂરાવે જે ક્યાંય ન ભળે. એ પછી તો સામસામે એવા અથડાય કે બધાયનો પેલો "હું" આપસી અથળામણમાં ગોત્યોય ન જડે એવો વેરણછેરણ થઈ જાય.
આમ, બધાં મોતી વેરાઈ જાય પછી સમજાય કે આ જગત જ મિથ્યા છે. આ જગત અનિચ્છાવર્તી ચાલતું આવ્યું છે ને હજીયે એમ જ ચાલશે.
ચપટીક: પોતે શાંતિથી જીવીએ અને બીજાંને જીવવા દઈએ.
~Damyanti Ashani